કોઈ પણ શુભ કામ કરતા પહેલા નારિયેળ કેમ વધેરવામાં આવે છે, તમારા બધાના પ્રશ્નોના જવાબ મળી જશે

 કોઈ પણ શુભ કામ કરતા પહેલા નારિયેળ કેમ વધેરવામાં આવે છે, તમારા બધાના પ્રશ્નોના જવાબ મળી જશે


પૂજા હોય કે પછી હવન, કોઈપણ શુભ કામ કરતી વખતે નારિયેળ વધેરવામાં આવે છે. નારિયેળ વગર કોઈપણ પૂજા અધૂરી માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કામની શરૂઆત નારિયેળ ફોડીને જ કરવામાં આવે છે. નારિયેળનો ઉપયોગ લગભગ દરેક શુભ કામ કરવા માટે થાય છે.

હવે તમારા મનમાં ક્યારેક તો પ્રશ્ન થયો હશે કે, દરેક શુભ કામ માટે પહેલા નારિયેળ કેમ વધેરવા પાછળનું કારણ શું હશે? શા માટે નારિયેળ મંગલકારી ફળ માનવામાં આવે છે? જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન હોય તો આજે આ લેખમાં તમારા બધા પ્રશ્નોના જવાબ આપેલા છે. આ ફળ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ફોડવામાં આવે છે. આ સિવાય પણ ઘણા ધાર્મિક કારણો છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પૃથ્વી પર ઉતર્યા ત્યારે તેઓ પોતાની સાથે એક નારિયેળનું ઝાડ લઈને આવ્યા હતા. કહેવાય છે કે આમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નારિયેળને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેને શ્રીફળ પણ કહેવાય છે. કહેવાય છે કે જે ઘરમાં નારિયેળ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.

નારિયેળ કેમ ફોડવામાં આવે : નાળિયેર ફોડવાનો અર્થ ભગવાનને પ્રસન્ન કરવાનો છે. એવું માનવામાં આવે છે કે નાળિયેર વ્યક્તિના બાહ્ય અને આંતરિક મનને દર્શાવે છે અને આવી સ્થિતિમાં જ્યારે નાળિયેર ફોડવામાં આવે છે જેનો મતલબ થાય છે કે વ્યક્તિના અહંકારને ખતમ કરીને, પોતાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરવાનો છે.

બલીના રૂપમાં નાળિયેરને ફોડવામાં આવે છે : કોઈપણ શુભ કામ કરતા પહેલા નારિયેળ વધેરવાની પરંપરા પશુબલિની પ્રથા બંધ કરવા માટે કરવામાં આવી હતી. કહેવાય છે કે જે ઘરમાં નારિયેળ પાણી છાંટવામાં આવે છે તે ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે.

પવિત્ર ફળ : નારિયેળ વગર તો હવન, યજ્ઞ અને પૂજા અધૂરી માનવામાં આવે છે. નારિયેળને સૌથી પવિત્ર ફળ માનવામાં આવે છે તેથી જ તે તમામ દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. આ ફળ ધન અને સુખ-સમૃદ્ધિનું ફળ માનવામાં આવે છે.

ભગવાન શિવનું પ્રતીક : નારિયેળના ત્રણ બિંદુઓ હોય છે તેને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર નારિયેળના ત્રણ બિંદુઓ ભગવાન શિવની ત્રણ આંખો સાથે જોડવામાં આવેલા છે. ઘરમાં નારિયેળ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *